Notification texts go here Contact Us Buy Now!
المشاركات

દીકરી નામે દિવાળી


    
  
દિવાળીના અવસરે નીલેશભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસેક કુટુંબની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે આવીને ઊભા રહ્યા. ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધીમાં તો ઝૂંપડપટ્ટીમાંથી નીકળીને ઝડપભેર આવી પહોંચેલ ખાસ્સાં એવાં બાળકોનો ગાડીની ચારેબાજુ જમાવડો થઈ ગયો. થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ પણ આવી પહોંચી.

મેલાંઘેલાં કપડાં પહેરેલ સ્ત્રીઓ અને અર્ધનગ્ન બાળકોના અતિ કોલાહલ ભર્યા અવાજો વચ્ચે ઘડીકવારમાં તો કપડાં અને મીઠાઈનું વિતરણ પણ થઈ ગયું. ઝૂંપડપટ્ટીનાં લગભગ બધાં જ કુટુંબોને કપડાં અને મીઠાઈ અપાઈ ચૂકી હતી છતાંય અવાજો આવ્યે જતા હતા.... 'એ ભઈ ! આ બેનને મીઠાઈ રઈ ગઈ છે. એ સાહેબ ! આ છોકરાને એક જરસી હોય તો આલો ને ! ઓ મોટાભઈ !આ સોડીને માવતર નથી, એને એક વધારે લુઘડું હોય તો આલો ને ! 
     કોલાહલ વચ્ચે નીલેશભાઈએ સૌને પ્રેમથી જવાબ આપ્યો, "ફરી કોઈક વાર આવીશ ત્યારે આપીશ. હાલ તો જે કંઈ લાવ્યો હતો એ બધું ખલાસ થઈ ગયું છે." ધીરેધીરે ભેગું થયેલ ટોળું વિખેરાઈ ગયું.
       નીલેશભાઈએ ડીકી બંધ કરીને કાર વળતી કરી. કાર ચલાવીને નીલેશભાઈ માંડ વીસેક મિટર આગળ વધ્યા હશે ત્યાં એમની નજર ખાટલી પર પલાંઠી વાળીને બેઠેલ એક નાનકડી દીકરી પર પડી. એમણે કાર થોભાવી દીધી. નાનકડી દીકરી હાથમાં પુસ્તક પકડીને પ્રાર્થના ગણગણી રહી હતી. બારેક વર્ષની આસપાસની ઉંમર હશે એની. એના નાનકડા મોંઢેથી સુરીલો સ્વર વહી રહ્યો હતો,

"ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.
 ગુણ તારા નિત ગાઈએ થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ. 
ભૂલ કદી કરીએ અમે,તો પ્રભુ કરજે માફ......"

સુરીલો સ્વર સાંભળીને કુતૂહલવશ નીલેશભાઈ કારમાંથી નીચે ઊતર્યા. એમને એટલો ખ્યાલ તો આવ્યો કે આ દીકરી મીઠાઈ લેવા તો નથી જ આવી. તેઓ ઊતરીને દીકરી પાસે ગયા અને પુછ્યું, "બેટા !તું સરસ ગાય છે. મને ખૂબ ગમ્યું. અરે હા દીકરી ! તું મીઠાઈ લેવા કેમ ન આવી ?"
      દીકરીએ હસીને જવાબ આપ્યો, "બાપુજીએ ના પાડી છે સાહેબ ! અહીં તો બે ત્રણ દિવસથી કેટલાય લોકો ચીજવસ્તુઓ આપવા આવે છે પરંતુ બાપુજીએ કહ્યું છે કે, મહેનત વગરની કોઈ ચીજ વસ્તુ ના લેવાય." 
      દીકરીનો જવાબ સાંભળીને નીલેશભાઈ ચોંકી ગયા. તેઓ આ ભલી ભોળી દીકરીને ઘડીભર એકીટશે જોઈ જ રહ્યા. 'મહેનત વગરની ચીજ વસ્તુ ના લેવાય.' - વાક્ય તેમના હૈયા સોંસરવું ઊતરી ગયું. દીકરીના સંસ્કારોને વંદન કરવાનું મન થઈ ગયું. નીલેશભાઈ વિચારમાં પડી ગયા. દીકરીની શુદ્ધ ભાષા એટલી તો સાક્ષી પૂરતી જ હતી કે તે કોઈ વ્યવસ્થિત માબાપનું સંતાન છે. તો ઈંટો અને માટીની દીવાલ ને પતરાંના છાપરાવાળું  નાનકડું ઘર અને બાજુમાં ઊભેલ હાથલારી ગરીબીની ચાડી ખાતાં હતાં.  

નીલેશભાઈએ દીકરીના માથે હાથ મૂકીને વાત્સલ્યસભર ભાવથી પૂછ્યું, "બેટા તારું નામ શું છે ?"

દીકરી ઘડીભર પહેલાં આમેય ગાયકીમાં મસ્ત હતી એટલે એણે એ જ ધૂનમાં વિસ્મયપ્રેરક જવાબ આપ્યો, "સાહેબ ! એક ઝાડ... ઝાડને બાર ડાળી...દરેક ડાળીએ ત્રીસ ત્રીસ પાન...છેલ્લી ડાળીનું છેલ્લું પાન...એ જ મારું નામ..."

દીકરીનું સૂકલકડી શરીર, શરીર પર સાવ સાદાં કપડાં ને છતાંય "સુખ કી ભૂખ ના દુઃખ કી ચિંતા" - સાક્ષી ભરતો રૂઆબભર્યો ચહેરો, ને એમાંય નામ પૂછતાં મળેલો અજીબ જવાબ ! નીલેશભાઈને નવાઈ લાગી. નીલેશભાઈનું મોં ઘડીભર સિવાઈ ગયું. તેઓ અતિશય ભાવવિભોર બની ગયા.

નીલેશભાઈની આંખમાં લાગણીનાં અશ્રુબિંદુનો ટશિયો ફૂટ્યો. તેઓ દીકરીની બાજુમાં જ બેસી ગયા અને એના માથા પર હાથ મૂકીને કહ્યું, "બેટા ! તું મારો સાહેબ ને હું તારો વિદ્યાર્થી બસ ! પણ તારુ નામ પૂછતાં તેં જે જવાબ આપ્યો એ મને સમજાવ." 

દીકરી ખિલખિલાટ હસી પડી ને પછી બોલી, "અરે સાહેબ ! આટલુંય ના સમજ્યા ? સાવ સહેલું છે સાહેબ. એક ઝાડ એટલે એક વર્ષ...બાર ડાળી એટલે બાર મહિના...એનાં ત્રીસ પાન એટલે મહિનાના ત્રીસ દિવસ...છેલ્લી ડાળીનું છેલ્લું પાન એટલે છેલ્લા આસો મહિનાનો છેલ્લો દિવસ - આસો વદ અમાસ, એટલે કે દિવાળી....
મારું નામ દિવાળી છે. હવે સમજ્યા સાહેબ ! મારો જન્મ દિવાળીના દિવસે થયો હતો એટલે મારી માસીએ મારું નામ દિવાળી પાડી દીધું હતું સાહેબ."

આલંકારિક લાંબાલચક  એક જ વાક્યમાં જવાબ આપનાર અને તની ઉપર દિવાળી પર્વનો સંબંધ સ્થાપિત કરનાર આ બાળાને ફરીવાર ઘડીભર એકીટશે  જોઈ જ રહ્યા નીલેશભાઈ. સાચ્ચે જ એક ગરીબ ઘરમાં સાચેસાચી દિવાળી જોઈ રહ્યા હતા નીલેશભાઈ. 

એમણે મીઠાશભર્યા સ્વરે દીકરીને કહ્યું, "બેટા, તારાં માબાપ ક્યાં છે ?"

આ પ્રશ્ન સાંભળીને દીકરીનો ચહેરો થોડો વિલાયો. એ થોડીવાર રહીને બોલી, "માને લકવો થયેલ છે. એ છેલ્લા ત્રણ મહિનાથી ખાટલામાં છે. એની દવા ચાલુ છે. હવે થોડું સારું છે સાહેબ ! આજે બાપુ એને દવાખાને ડોક્ટરને બતાડવા માટે લઈને ગયા છે. નાનો ભૈલો પણ સાથે ગયો છે." દીકરીના પ્રત્યુતરથી નીલેશભાઈ ઢીલા થઈ ગયા છતાંય પૂછ્યા વગર ન રહી શક્યા, "બેટા! તું ભણે છે 

દીકરીએ હકારમાં માથુ હલાવીને જવાબ આપ્યો, "હા સાહેબ, હું સરકારી પ્રાથમિક શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું ને ભૈલો પાંચમામાં. મારે તો ભણીગણીને સ્કૂલમાં બેન બનવાનું છે ને ભૈલાને મોટો સાહેબ બનાવવાનો છે. હમણાં જ પૂરી થયેલી સત્રાંત પરીક્ષામાં હું વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ છું ને ભૈલો પણ એના વર્ગમાં પ્રથમ નંબરે રહ્યો છે. અમે બન્ને ભાઈબહેન ભણવામાં હોશિયાર હતાં એટલે તો મારા બાપુજી અમને ગામડેથી ત્રણ વરસ પહેલાં શહેરમાં લઈને આવ્યા છે. ગામડામાં બાપુજીને મજૂરીકામમાં વધારે પૈસા નહોતા મળતા. અહીં તો બાપુજી દરરોજના ત્રણસો ચારસો રૂપિયા કમાઈ લે છે. મારી મા પણ ત્રણ ઘરનાં કામ કરીને મહિને છ હજારનો ટેકો કરતી હતી, પરંતુ ત્રણ મહિનાથી લકવો થતાં એ ખાટલામાં છે."

દીકરીનું આટલું વિશાળ જ્ઞાન જોઈને નીલેશભાઈ રીતસરના ઢીલા થઈ ગયા. કેટલી સમજણ !કેટલા સંસ્કાર છે દીકરીમાં ! નીલેશભાઈ દીકરીને મનોમન વંદન કરી ઊઠ્યા. તેઓ થોડીવાર ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા. અચાનક કંઈક યાદ આવતાં જ નીલેશભાઈએ મોબાઇલમાં સમય જોયો. બપોરના સાડાબાર થવા આવ્યા હતા એટલે એમનાથી અનાયાસે પુછાઈ ગયું, "બેટા તેં કંઈ ખાધું છે?"

દીકરીએ સાહજિકતાથી જવાબ આપ્યો,"ના સાહેબ, ક્યાંથી ખાધું હોય ! સરકારી  દવાખાને વહેલો નંબર આવે એટલે બાપુજી તો માને લઈને દિવસ ઊગ્યે નીકળી ગયા. એમને હજી પણ આવતાં વાર લાગશે. આવીને પછી બાપુજી ખાવાનું બનાવશે ને પછી અમે ખાઈશુંં. હજી મને ભૂખ નથી લાગી હો સાહેબ !"

નીલેશભાઈ ગદગદિત થઈ ગયા. દીકરીના માથા પર ફરીથી હાથ મૂકીને તેઓ આંસુઓને છુપાવતા નીચું જોઈને નીકળી ગયા, કારણ કે દીકરીને વધારે કંઈ કહેવાની તેમનામાં હવે હિંમત નહોતી. એમણે ગાડી ચાલુ કરીને સડસડાટ મારી મૂકી. તેમના મગજ પર આજે બરાબરની દિવાળી છવાઈ ગઈ હતી. આજે એમણે સંસ્કાર, સમજણ અને સ્વમાનથી પ્રજ્વલિત દિવાળી નજરોનજર જોઈ હતી. તેઓ ઘેર આવ્યા ત્યાં સુધી સતત દીકરી દિવાળીના વિચારોમાં જ ખોવાયેલા રહ્યા.

નીલેશભાઈ ઘેર આવીને પણ ઘડીભર સોફામાં સૂનમૂન બેસી રહ્યા. પતિને વિચારમગ્ન અવસ્થામાં જોઈને પત્ની કૃપાબેને એમને પાણી આપ્યું અને પછી પૂછ્યું, "કેમ સાવ ઢીલા દેખાઓ છો ?"

નીલેશભાઈએ પત્ની સામે જોઈને કહ્યું, "લાગણીવશ હું તો ઢીલો થયો જ છું કૃપા ! પરંતુ હકીકત જાણીને તુંય ભાવવિભોર થઈ જઈશ. મેં આજે નજરોનજર દિવાળી જોઈ છે.  
    
નીલેશભાઈએ પાણી પીને કૃપાબેનને બધી હકીકત કહી સંભળાવી. વાત સાંભળીને કૃપાબેન ખરેખર ભાવવિભોર બની ગયાં. નીલેશભાઈએ થોડીવાર રહીને પોતાના અંતરમાં ઉઠેલ વિચારને અર્ધાંગિની આગળ રજૂ કર્યો. પરગજુ સ્વભાવનાં કૃપાબેને પતિના વિચારને વિના વિલંબે સમર્થન આપ્યું. પતિપત્નીએ કંઈક નક્કી કરી લીધું.

નીલેશભાઈ અને કૃપાબેન બન્ને એક જ કોલેજમાં પ્રોફેસર છે. પતિપત્ની બન્ને સંતોષી, ઉદાર મતવાદી અને પરગજુ સ્વભાવનાં છે. જોકે આ પ્રભુપરાયણ દંપતીને કુદરતે હજી સંતાનસુખ આપ્યું નથી. 

સાંજે જમીને નીલેશભાઈ અને કૃપાબેન બન્ને જણ નીકળ્યાં એ જ ઝૂંપડપટ્ટીએ જવા માટે...

નીલેશભાઈએ દિવાળીના ઘર પાસે ગાડી થોભાવી. ગાડી જોઈને ઝૂંપડપટ્ટીમાં થોડી હલચલ થઈ પરંતુ નીલેશભાઈ અને કૃપાબેન ગાડીમાંથી ઊતરીને સીધાં દિવાળીના ઘેર પહોંચી ગયાં. 

કેરોસીનના દીવડાના અજવાળામાં દિવાળી નીલેશભાઈને ઓળખી ગઈ, એટલે એણે એના  બાપુજીને કહ્યું, "બાપુજી !સવારે અહીં આ સાહેબ મીઠાઈ અને કપડાં આપવા આવ્યા હતા. સવારે એમણે મારી પાસે બેસીને મારા માથા પર હાથ ફેરવીને મારું નામ પુછ્યું હતું." 

નીલેશભાઈ અને કૃપાબેનને દિવાળીનાં માબાપે સપ્રેમ આવકાર આપ્યો. નાનકડી ખાટલીમાં નીલેશભાઈ અને કૃપાબેન બેઠાં. દિવાળીએ નીલેશભાઈ અને કૃપાબેનને પાણી આપ્યું. 

થોડીવાર પછી નીલેશભાઈએ સવારની હકીકત દિવાળીના બાપુજીને કહી સંભળાવી અને પછી ઉમેર્યું, "તમારી દીકરી દિવાળીનાં સંસ્કાર, સમજણ અને સ્વમાન અમને અત્યારે અહીં ખેંચી લાવ્યાં છે."

દીકરીનાં વખાણ સાંભળીને દિવાળીના પિતાજી શિવરામભાઈએ પોતાના પરિવારની બધી હકીકત નીલેશભાઈને ટૂંકમાં કહી સંભળાવી. નીલેશભાઈએ પણ પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો.

નીલેશભાઈએ એ વાત જાણી લીધી હતી કે, મા કાર્ડની સહાયથી દિવાળીની મા ભગવતીબેનની દવા થઈ રહી છે. દિવાળીના બાપુ હાથલારી પર માલસામાનની હેરફેર કરીને કુટુંબનો જીવનગુજારો  કરી રહ્યા છે ને બન્ને બાળકોને સરકારી શાળામાં ભણાવી રહ્યા છે. 

નીલેશભાઈએ બીજું નિરીક્ષણ એ પણ કર્યું કે સાવ નાનકડા ઘરમાં ગરીબ પરિસ્થિતિમાંય ભગવાનના ફોટા પાસે દીવો ઝળહળી રહ્યો છે ને બાજુમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ગ્રંથ પડેલ છે. બાકી તો દિવાળીનાં માબાપ સાથેની વાતચીતમાં જ નીલેશભાઈ પામી ગયા કે ખરેખર આ ઝૂંપડામાં સંતોષ અને સંસ્કાર સાહ્યબીની ઝગમગતી દિવાળી છે.

બન્ને પરિવારો વચ્ચેની વાતચીત પૂરી થતાં જ કૃપાબેને પોતાના પર્સમાંથી રાખડી કાઢીને નીલેશભાઈને આપી. નીલેશભાઈ રાખડી લઈને ભગવતીબેનના ખાટલા પાસે ગયા. દિવાળીનાં માબાપ તો નીલેશભાઈ શું કરવા માગે છે એ જોઈ જ રહ્યાં ! 

નીલેશભાઈ ભગવતીબેનના હાથમાં રાખડી પકડાવીને બોલ્યા, "આજથી તમે મારાં બહેન ! બાંધો રાખડી." એટલું બોલીને નીલેશભાઈએ હાથ લાંબો કર્યો. 

ભગવતીબેને દિવાળીના પિતા શિવરામભાઈ તરફ નજર કરી. શિવરામભાઈએ હસીને મૂક સંમતિ આપી.

વાતાવરણ લાગણીમય બની ગયું. થોડીવાર રહીને કૃપાબેને ભગવતીબેનને કહ્યું, "ભગવતીબેન ! કાલથી તમારે અમારે ત્યાં રહેવા માટે આવી જવાનું છે. અમારા ઘર પાસેના અમારા બગીચામાં ઓરડી ખાલી જ છે. તમારે વગર ભાડે કાલથી  ત્યાં જ રહેવાનું છે. તમે સંપૂર્ણ સાજાં થઈ જાઓ એના પછી અમારા ઘરનું કામકાજ સંભાળી લેજો. ત્યાં રહીને દિવાળીના બાપુ એમની મરજી મુજબનો ધંધો કરી શકે છે. બન્ને બાળકોનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીની જવાબદારી આજથી અમારી. બાળકોનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી તમારે અમારે ત્યાં જ રહેવાનું છે. એના પછી અમારી જવાબદારી પૂરી..."

દિવાળીના પિતાજી શિવરામભાઈ અને માતા ભગવતીબેન ભાવવિભોર થઈ ગયાં. એમની આંખો લાગણીનાં અશ્રુબિંદુઓથી ઊભરાઈ ગઈ. શિવરામભાઈથી બોલ્યા વગર ન રહેવાયું." તમે તો આજે અમારા આંગણે ભગવાન બનીને પધાર્યા છો. અમારામાં હવે ના કહેવાની પણ હિંમત નથી." - કહીને શિવરામભાઈ નીલેશભાઈને પગે પડે એના પહેલાં તો નીલેશભાઈએ એમને બાથમાં લઈ લીધા.

બીજા દિવસે સવારે જ દિવાળીનો પરિવાર નીલેશભાઈને ત્યાં રહેવા આવી ગયો. 

એક જ અઠવાડિયામાં તો દિવાળી નીલેશભાઈ અને કૃપાબેનથી એવી હળતીભળતી થઈ ગઈ કે જાણે એમની સગી દીકરી ના હોય ! એકાદ મહિનાનો સમય પસાર થઈ ગયો. સવાર સવારમાં જ નીલેશભાઈના આંગણામાં ગૃહકાર્ય કરી રહેલ દિવાળીએ કૃપાબેનને મધમીઠી વાણીમાં કહ્યું, "મામી ! અમારા ઘેર ભૈલો છે તો તમારે ઘેર કેમ નથી ? મામા અને તમે તો અમારાં ભગવાન છો. તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો હવે ઉપરવાળો ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે. અરે હા, મામી ! પ્રાર્થનામાં તો અજબ શક્તિ હોય છે. ખરા દિલથી કરેલ પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે ને માનવીની ઇચ્છા પૂરી કરે છે. હું કાલથી જ ભગવાનની છબી આગળ સવારસાંજ દીવો પ્રગટાવીને ભૈલા માટે પ્રાર્થના કરીશ. હું જોઉં છું કે ભગવાન મારી પ્રાર્થના ક્યાં સુધી નથી સાંભળતા ?"

કૃપાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો. તેઓ દિવાળીને એકીટશે જોઈ જ રહ્યાં. એમની આંખમાંથી દડદડ આંસુ વહી પડ્યાં. સંતાનસુખને કર્મને આધીન સમજતાં કૃપાબેન દિવાળીના ભાવાવેશને મન ભરીને ઘડીભર પીતાં રહ્યાં. પાંચેક મિનિટ સુધી તેમના અશ્રુપ્રવાહમાં સતત વધારો થતો રહ્યો. નાનકડી દિવાળીએ તેના દુપટ્ટાથી મામીનાં આંસુઓને લૂછી નાખ્યાં.

દિવાળી સવારસાંજ ભગવાનની છબી આગળ દીપ પ્રગટાવીને વલવલતી હતી એ દૃશ્ય તો કવિઓની કલ્પનાશક્તિથી પણ પર હતું. જેમ કરમાબાઈએ ભગવાન શ્રીકૃષ્ણને ખીચડો ખવડાવવાની હઠ પકડી હતી એવું જ કંઈક દૃશ્ય સવારસાંજ પ્રતિપાદિત થતું હતું. એ દૃશ્યને માણવા તો અઠવાડિયામાં એક બે વખત નીલેશભાઈ અને કૃપાબેન બગીચાની ઓરડીએ અવશ્ય આવી ચડતાં.

જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. આજે દિવાળી છે. નીલેશભાઈ અને દિવાળી સહિત એનો પરિવાર હોસ્પિટલમાં આમથી તેમ આંટા મારી રહ્યો છે. સૌના મોં પર ઈંતેજારીના ભાવ લપેટાયા છે. ત્યાં તો હસતા મોઢે નર્સે બહાર આવીને મીઠો ટહુકાર કર્યો. "કૃપાબેને બાબાને જન્મ આપ્યો છે. કૃપાબેનની તબિયત સારી છે ને બાબો પણ એકદમ તંદુરસ્ત છે."

"ભૈલો આવ્યો!ભૈલો આવ્યો ! મને જલદી જલદી ભૈલા પાસે લઈ જાઓ." - કહીને  વધાઈ આપનાર નર્સનો હાથ પકડીને દિવાળી એને ખેંચવા લાગી. નર્સે એક મિનિટનોય વિલંબ કર્યા વગર દિવાળીની ઇચ્છા પૂરી કરી.

ધીમા અવાજે "આ તારી પ્રાર્થનાનું જ ફળ છે બેટા. ભૈલાને ધરાઈને જોઈલે." - કહીને કૃપાબેને દિવાળીના ગાલ પર ટપલી મારી. 

દિવાળીની પાછળપાછળ આવેલ નીલેશભાઈએ તો દિવાળીને રીતસરની ઊંચકી જ લીધી. ખરેખર નીલેશભાઈને આંગણે આજ ખરા અર્થમાં દિવાળી છે.

إرسال تعليق

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.