આરએસએસની અનેક સંસ્થાઓ છે એમાંની એક એટલે ખેડૂતોનું યુનિયન કહેવાય તેવો ભારતીય કિસાન સંઘ. આ સંઘ અને તેના નેતાઓ બોટાદના ખેડૂતોને APMCમાં પડતી મુશ્કેલીઓ વખતે અને પોલિસ કિસાનો પર દમન આચરી રહી છે ત્યારે ક્યાં છે એવો સવાલ સ્વભાવિક રીતે જ ઊઠે છે.
સપ્ટેમ્બર-૨૦૦૩માં ગાંધીનગરમાં પથિકાશ્રમ સામેના મેદાનમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આશરે બે લાખ લોકોની રેલી યોજાઈ હતી. એમાં મને મુખ્ય વક્તા તરીકે બોલાવવામાં આવેલો અને મેં મારા આશરે અર્ધો કલાકના પ્રવચનમાં નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારની કિસાન વિરોધી નીતિઓનો આંકડાઓ સાથે વિરોધ કરેલો. એ જાહેર સભામાં જ મેં "મોદી સરકાર એટલે બોદી સરકાર" એવું સૂત્ર ગાજતું કરેલું.
એ ભારતીય કિસાન સંઘની છેલ્લી એટલી મોટી રેલી. પછી તેની બે હજાર કિસાનો સાથેની પણ રેલી ગુજરાતમાં ક્યાંય નીકળી હોવાનું જાણમાં નથી. એનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીએ પછી ધીમે ધીમે કિસાન સંઘની ખસી કરી નાખી.
૨૦૦૪ના આરંભમાં કિસાનો માટે વીજળીની સમસ્યા ઊભી થઈ ત્યારે આરએસએસના પ્રચારક અને ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના અને તેના ઉછેરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર લાલજીભાઈ પટેલે આમરણ ઉપવાસ અમદાવાદમાં કરેલા. તેઓ અત્યારે તદ્દન ગૂમ છે! અથવા કહો કે લાપતા છે! સંઘના કોઈ પ્રચારકની તાકાત છે અત્યારે બોટાદની ઘટનાના સંદર્ભમાં ઉપવાસ પર બેસે? કે પછી કોઈ નિવેદન પણ આપે? નપુંસક કરી નાખવામાં આવ્યો છે કિસાન સંઘને. એને હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સજીવ ખેતી સિવાય કશામાં રસ રહ્યો હોય એવું દેખાતું જ નથી. મામકા: છે, એટલે કશું બોલાય જ નહીં, રામભજન જ કરાય!
એક જમાનો હતો કે જ્યારે કિસાન સંઘની સભ્ય સંખ્યા ગુજરાતમાં ૧૨ લાખ જેટલી હતી. આખા દેશમાં સૌથી વધારે. આજે ૧૨ હજાર પણ હશે કે કેમ શંકા છે. કિસાન સંઘના નેતાઓ ૨૦૦૪ પછી મોદીની ચાપલૂસી કરવામાં પડેલા. મોદીની તાનાશાહી એમને હિન્દુ હિન્દુ કરવામાં કોઠે પડી ગયેલી. તેઓ ભગવાન બલરામના હળ સાથેના ફોટાને નમન કરવા સિવાય હવે કશું કરી શકે તેમ લાગતું નથી. તે સમયે તેમનો વિરોધ ખેડૂત વિરોધી નીતિઓ સામે નહોતો, પણ કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર સામે હતો. કિસાન અને સ્વદેશી તો બહાનાં હતાં! સત્તા સુધી પહોંચવાની સીડીઓ હતી એ તો!
એમ લાગે છે કે આરએસએસની લગભગ તમામ સંસ્થાઓની મોદીએ ગુજરાતમાં અને પછી દેશમાં ખસી કરી નાખી છે. સરકારની નીતિરીતિ વિશે સંઘની એક પણ સંસ્થા મોટે ભાગે કશું બોલતી જ નથી. સ્વદેશી જાગરણ મંચ પણ મોદીએ સ્વદેશીની આપેલી નવી વ્યાખ્યા વિશે મોંમાં મગ ભરીને બેઠો છે!
ભલું થશે કિસાનોનું, ભારતીય કિસાન સંઘ અને આરએસએસ વિના જ!
પ્રો. હેમંતકુમાર શાહ
તા.૧૪-૧૦-૨૦૨૫