CMOએ ખુલાસો પુછ્યાના બે સપ્તાહે વિકાસ કમિશનરે સ્પષ્ટતા કરી
છેવટે કમિશનર ઝુક્યા, ગામમાં તલાટીને કૂતરા પકડવાની કામગીરી કરવી નહીં પડે
વિકાસ કમિશનરની કચેરીએ નવેમ્બરમાં તલાટીઓને રખડતા કૂતરાઓને પકડવા માટે કરેલો પરીપત્ર છેવટે સુધારો કર્યો છે. તલાટી મહામંડળે આવા પ્રકારની કામગીરી સામે સખત વિરોધ નોંધાવતા મુખ્યમંત્રી કાર્યલાયે બે સપ્તાહ પૂર્વે વિકાસ કમિશનરનો ખુલાસો પુછ્યો હતો. જેના જવાબમાં અધિક વિકાસ કમિશનર ડો.ગૌરવ દહિયાએ “પરિપત્રમાં તલાટી કમ મંત્રીઓને રખડતા કૂતરાને પકડવાની કામગીરી અભિપ્રેત થતી નથી” એવી સ્પષ્ટતા કરી છે. આથી હવે ગામડાઓમાં તલાટીઓને કૂતરા પકડવા જવુ પડશે નહી.
અધિક વિકાસ કમિશનર ડો.દહિયાએ મંગળવારે મુખ્યમંત્રીના જનસપર્ક અધિકારીને લખેલા એક પત્રમાં ઉપરોક્ત વિગતો પ્રકાશમાં આવી છે. તેમણે પત્રમાં જણાવ્યુ છે કે, સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી દેશભરમાં રખડતા કૂતરાના હુમલા, રસ્તા ઉપર રખડતા પશુઓથી થતા અકસ્માતો સંબંધિત ગંભીરતાને ધ્યાને રાખીને વ્યાપક નિર્દેશો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈને અમારી કચેરીએ ૧૮મી નવેમ્બર ૨૦૨૫ના પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં
તલાટી કમ મંત્રીઓને ગામમાં રખડતા કૂતરાઓને પકડવા આદેશ કરાયો હોવાની રજૂઆત સાથે જ મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી, મહામંત્રી રામભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આવી કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. એટલુ જ નહિ, પરિપત્ર પાછો નહિ ખેંચાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
બે સપ્તાહ પહેલા મુખ્યમંત્રી કાર્યલાયે વિકાસ કમિશનરને તલાટીઓની રજૂઆતો મુદ્દે ખુલાસો પૂછ્યો હતો. જેનો જવાબ મંગળવારે અધિક વિકાસ કમિશનરે આપ્યો છે. જેની નકલ તલાટી મહામંડળના પ્રમુખને મોકલવામાં આવી છે. જેમાં જિલ્લાકક્ષાએ નિયામક પશુપાલન, તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અને ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે પરંતુ, તલાટીઓએ પોતાના કાર્યક્ષમાં આવતા જાહેર સંસ્થાઓના પરિસરો, જાહેર સ્થળોમાં રખડતા કૂતરાઓને રોકવા માટે પૂરતી વાડ, બાઉન્ડ્રી, વોલ, ગેટ્સ જેવી જે તે સંસ્થાએ કરેલી સુવિધાઓની વિગતો જ મોકલવાની રહેશે તેમ કહેવાયુ છે. આથી તલાટીને ગામમાં કૂતરા પકડવા માટે જવુ પડશે નહી.